સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે –આદિલ મન્સુરી: Gujarati Kavita Write By Adil Mansuri
સમગ્ર રાત ઉપર જેમ અંધકાર પડે,
ઉઘાડી આંખમાં કોઇનો ઇંતેઝાર પડે.
ખીલું ખીલું થતું મનમાં અને ખીલી ન શકે,
કળીની પાંપણે ઝાકળનો એવો ભાર પડે.
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.
સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી,
બધું જે હોઇ શકે તેની આરપાર પડે.
ઘણીયે વાર થઇ જાઉં છું હું શૂન્યમનસ્ક,
ઘણીયે વાર અચાનક કોઇ વિચાર પડે.
કહી રહ્યું છે કોઇ કાનમાં પ્રવાસીને,
મુસીબતો તો પડે ને હજાર વાર પડે.
સિતારા થાક્યા છે જાગીને રાતભર આદિલ,
બધાય ઇચ્છે છે કોઇ રીતે સવાર પડે.
– આદિલ મન્સૂરી
zkdd8RRJkzg
jyImZC7ooKi